Weather Forecast: દેશભરમાં શિયાળાની મૌસમમાં અજીબોગજીબ રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક દરિયાઈ તોફાને દસ્તકે આપી છે તો ક્યાક ભારે વરસાદ પડી રહ્યો છે. ક્યાંક બરફવર્ષાના એંધાણ છે તો ક્યાંક શીતલહેરે ગાત્રો થીજવી નાખ્યા છે. ગાઢ ધુમ્મસથી કેટલાક રાજ્યો હેરાન પરેશાન છે તો ક્યાંક તડકો લોકોને રાહત આપી રહ્યો છે.
ડિસેમ્બર મહિનામાં આમ તો ગાત્રો થીજવતી ઠંડી પડવી જોઈએ. પરંતુ એવી છે નહીં. ભારતીય હવામાન વિભાગ (IMD)એ 22 ડિસેમ્બર સુધી હવામાન આ રીતનું રહે તેવી આગાહી કરી છે. 5 દિવસ સુધી દેશમાં હવામાન કેવું રહેશે તે પણ જાણી લો. ક્યાંક કોલ્ડ વેવ તો ક્યાંક ધૂમ્મસ..કયાંક ભારે પવન ફૂંકાશે તો ક્યાંક વરસાદ પડવાની આગાહી છે.
આ રાજ્યોમાં વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં 16 ડિસેમ્બરના રોજ એક લો પ્રેશર એરિયા બન્યો છે. તેના વધુ એક્ટિવ થવાના અને આગામી 2 દિવસમાં 17-18 ડિસેમ્બરના રોજ અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો અને રાયલસીમામાં આજથી 19 ડિસેમ્બર દરમિયાન અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. 17-20 ડિસેમ્બરના રોજ કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ અને રાયલસીમામાં અલગ અલગ સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ સાથે પવન ફૂંકાવવાની અને વીજળી ચમકવાની શક્યતા છે. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. આથી હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે.
અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પશ્ચિમી મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવથી લઈને ગંભીર કોલ્ડ વેવ જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા, પશ્ચિમી રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં શીતલહેર જોવા મળી શકે છે.
મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં કોલ્ડ ડે રહેવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં સવાર સાંજ ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ગ્રાઉન્ડ ફ્રોસ્ટની સ્થિતિ રહેવાની શક્યતા છે.
પહાડી વિસ્તારના હાલ
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. કેદારનાથ ધામમાં છેલ્લા 8 દિવસથી બરફવર્ષા ચાલુ છે અને લગભગ એક ફૂટ જેટલો બરફ પડી ચૂક્યો છે. મંદિરની સામે બનેલી નંદીની પ્રતિમા પણ બરફની ચાદરથી ઢંકાયેલી છે. ગૌરીકુંડથી લઈને કેદારનાથ ધામ સુધી 16 કિલોમીટરના રસ્તામાં 2 ઈંચ સુધી બરફ જામેલો છે. 22 ડિસેમ્બર બાદ જબરદસ્ત બરફવર્ષા થવાની શક્યતા છે.
ગુજરાતમાં હવામાનની આગાહી
ગુજરાત રાજ્ય હવામાન વિભાગે આગામી 5 દિવસની આગાહી કરતા સોમવારે કહ્યું હતું કે હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી પાંચ દિવસ તાપમાનમાં 1-2 ડિગ્રીનો વધારો કે ઘટાડો રહી શકે છે. તાપમાન વધવા છતાં પવન રહેતા ઠંડીનો અનુભવ થાય છે.
અંબાલાલની આગાહી
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે પોતાની લેટેસ્ટ આગાહીમાં કહ્યું છે કે 16 થી 22 ડિસેમ્બર વાદળો આવી શકે છે. દક્ષિણ ગુજરાત ના કેટલાક ભાગો માં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 17 ડિસેમ્બર થી રાજ્ય માં ઠંડીમાં ઘટાડો થશે. રાજ્યમાં તાપમાન માં વધારો થઈ શકે છે. સવાર ના સમયે ઠંડી યથાવત રહેશે. ઉત્તર ગુજરાત – પંચમહાલ ના ભાગો માં 10 ડિગ્રી થી નીચું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી તાપમાન રહેશે. દક્ષિણ ગુજરાતમાં 18 ડિગ્રી તાપમાન રહી શકે. 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે.