Gopal Namkeen: આજે રાજકોટમાં આવેલી ગોપાલ નમકીનની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે ફેક્ટરીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ભીષણ આગને પગલે ફેક્ટરીમાં કામ કરતાં કામદારોમાં નાસભાગ મચી હતી. જ્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકઠા થઈ ગયા છે. ઘટનાને પગલે 10થી 15 ફાયર ફાઈટર્સ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે રાજકોટ, જામનગર, ગોંડલ, વેરાવળની ફાયરની ગાડીઓ બોલાવાઈ છે.
ફાયરના જવાને કહ્યું કે, અત્યારે 10થી 15 ફાયર ફાઈટર ઘટના સ્થળે છે. આગ બહુ વિકરાળ છે. આગ લાગી ત્યારે જણાવ્યું નહોતું. અત્યારે આગ બેકાબૂ છે. અંદર કોઈ વ્યક્તિ ફસાયેલું નથી. રાજકોટ, જામનગર, ગોંડલ, વેરાવળની ફાયરની ગાડીઓ બોલાવાઈ છે.
આ સમગ્ર ઘટના અંગે અન્ય એક સ્થાનિકે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, આગ લાગવાની ઘટના બપોરે 2 વાગ્યા આસપાસ બની હતી. અમે તરત જ ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. તે ફોન કાપી કરી નાંખતા હતા. અમે 101 નંબર પર ફોન કર્યો હતો. ત્યાંથી એવો જવાબ મળ્યો હતો કે, ફાયર ફાઈટર નીકળેલા છે. રાજકોટના બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા છે. ઘટનાના બે કલાક બાદ રાજકોટથી માત્ર 15 કિલોમીટર દૂર આવી સ્થિતિ છે.
આ સમગ્ર ઘટના અંગે એક સ્થાનિકે જણાવ્યું કે, હાલ આગ ભયંકર ગણાય, પણ કાબૂમાં આવી જશે. પહેલા જીઆઈડીસીનું ફાયર ફાઇટર આવી પહોંચ્યું હતું. પછી રાજકોટની ફાયરની ટીમ પણ અહીં આવી પહોંચી છે. કાલાવાડની ફાયર ટીમ રસ્તામાં છે. મેજર કોલ હોવાથી આસપાસની ફાયર વિભાગની ટીમો અહીં પહોંચવા માટે નીકળી ગઈ છે અને રસ્તામાં છે.
નોંધનીય છે કે, વિકરાળ આગને પગલે ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જ્યારે ધુમાડાને પગલે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે. જ્યારે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા છે.
નોંધનીય છે કે, ગોપાલ નમકીન ફેક્ટરી મેટોડા ખાતે આવેલી છે. જ્યારે આગ પર કાબૂ મેળવવા માટે આસપાસની ફાયર વિભાગની ટીમને પણ બોલાવાઈ છે.