ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા નોંધાયેલ તમામ વિજ્ઞાનપ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહની ભૌતિકવિજ્ઞાન (૦૫૪) વિષયની પરીક્ષા તા.૨૭/૦૨/૨૦૨૫ના રોજ 3:00 PM થી 6:30 PM કલાક દરમિયાન યોજવામાં આવેલ.
સદર પરીક્ષાનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા તા.૦૩/૧૦/૨૦૨૪ના રોજ પત્રક્રમાંક:મઉમશબ/સંશોધન/૨૦૨૪/૩૧૦૫-૪૨ થી પ્રસિદ્ધ કરેલ પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્રને આધારે તૈયાર કરવામાં આવેલ છે. વધુમાં, નમૂનાના પ્રશ્નપત્રની સૂચના નંબર-9 માં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ/આલેખ આધારિત પ્રશ્નમાં અન્ય વૈકલ્પિક પ્રશ્ન આપેલ છે એમ પણ જણાવેલ છે. તે મુજબ તા.૨૭/૦૨/૨૦૨૫ના ભૌતિકવિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રના મુખ્ય પેજ પર સૂચના નંબર-9 માં “આકૃતિવાળા/ચાર્ટ પ્રશ્નોમાં દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આપેલા છે. જેનું ખાસ ધ્યાન રાખવું. આ પ્રશ્નો માત્ર દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે.” એમ જણાવેલ જ છે અને જ્યાં “(ફક્ત દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે)”ની સૂચનાની નીચેનો પ્રશ્ન દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે.
પરંતુ પરીક્ષા દરમિયાન દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ માટેના સમાન ક્રમાંક ધરાવતાં પ્રશ્નોની વચ્ચે “(ફક્ત દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે)” લખાયેલ હોઈ પરીક્ષાર્થીઓને કયા પ્રશ્નનો ઉત્તર આપવો તે સમજવામાં મુશ્કેલી પડી હોવાની રજૂઆત મળેલ છે. જે ધ્યાને લેતાં વિદ્યાર્થીના હિતમાં આ પ્રકારનાં પ્રશ્નમાં વિદ્યાર્થીએ જે પ્રશ્નનો ઉત્તર આપ્યો હશે તેનું મૂલ્યાંકન કરી મળવાપાત્ર ગુણ આપવામાં આવશે, તેવો નિર્ણય લેવામાં આવેલ છે.
વધુમાં ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહના અન્ય વિષયોના પ્રશ્નપત્રોમાં પણ સામાન્ય વિદ્યાર્થી માટેના ચિત્ર કે આકૃતિ આધારિત પ્રશ્નોના વિકલ્પ સ્વરૂપે દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્નક્રમાંક ધરાવતાં વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલ હશે, જેની સંબંધિત પરીક્ષાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષકશ્રીઓએ નોંધ લેવા વિનંતી.